
ભારત જેવા મોટા દેશના વડાપ્રધાન અને નાનકડા ગુજરાત જેવા રાજયના નાના અને ભોળા મુખ્યમંત્રી વચ્ચે શું બરોબરી? આમ છતાં રોજ સવાર પડે છે અને કોંગ્રેસની એસઆરપી મારી પાછળ પડે છે. આ એસઆરપી એટલે સોનિયા, રાહુલ અને પ્રિયંકા’ એવી માર્મિક ટકોર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી.
અમદાવાદના વાસણા ધરણીધર ખાતે જનસમુદાયના જોરદાર પ્રતિસાદ વચ્ચે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કેન્દ્રની ડો. મનમોહનસિંહના નેતત્વ હેઠળની કોંગ્રેસ સરકારે દેશને ગરીબી, મોંઘવારી અને બેકારી આપી છે. સસ્તી ખાંડ મોંઘી કરી નાખી છે. ગુજરાત આવનારાં સોનિયા ગાંધીએ તેમની સરકારનો હિસાબ પ્રજા સમક્ષ રજૂ કરવો પડશે.
કેન્દ્રમાં કોંગ્રેસના શાસનથી દેશના સામાન્ય માનવીને ગરીબી, ભૂખમરો અને બેકારી સિવાય કાંઈ જ મળ્યું નથી, કેમ કે આઝાદી પછીથી જ વોટબેંકની રાજનીતિથી શાસન કરવાની માસ્ટર કી જાણનાર કોંગ્રેસે દેશને તબાહ કરી નાખ્યો છે. વાસ્તવમાં આ દેશને વિકાસ અને સુરક્ષા જોઈએ છે.
મોદીએ જનમેદનીના હર્ષનાદ વચ્ચે જણાવ્યું હતું કે, જો લોકોને મોદીની વાતમાં સચ્ચાઈ લાગે તો ૩૦મીએ જોરદાર વોટિંગ કરજો, નહીં તો ભાજપનું કચ્ચરઘાણ કાઢી નાખજો. વડાપ્રધાન ડો. મનમોહનસિંહ કહે છે કે આ દેશની સંપત્તિ પર મુસલમાનોનો પહેલો અધિકાર છે, જયારે મોદી કહે છે કે ગરીબીનો પ્રથમ ભાગ છે. આ ગરીબ હિન્દુ, મુસ્લિમ, સ્ત્રી, પુરુષ, યુવાન, વૃદ્ધ કોઈ પણ હોઈ શકે છે
મુખ્યમંત્રીએ કેન્દ્રની કોંગ્રેસ સરકારને તેમનાં પાંચ વર્ષના શાસનનો હિસાબ આપવાનો પડકાર ફેંકયો છે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે ૧૨ રૂપિયે કિલોના ભાવે દેશની ખાંડ વિદેશમાં વેચી નાખી છે અને હવે ખાંડની તંગી સર્જાતાં ૨૩ રૂપિયે કિલોના ભાવે વિદેશમાંથી ખાંડ ખરીદી છે. હકીકતમાં આ સોદા માત્ર કાગળ પર થયા છે. વચ્ચેના અગિયાર રૂપિયા વચેટિયાઓ ખાઈ ગયા છે.
મોદીએ કહ્યું હતું કે, કોઈ ઓલિમ્પિકના ખેલાડી અને તાલુકાના ખેલાડી વચ્ચે કોઈ દિવસ સ્પર્ધા હોઈ શકે નહીં, આમ છતાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ સવાર પડે છે અને મોદીની સામે કોઈને કોઈ વિરોધી નિવેદનો કરવા માંડે છે. એમાં પણ કોંગ્રેસની એસઆરપી એટલે કે સોનિયા, રાહુલ અને પ્રિયંકા. છેલ્લા દોઢ મહિનાથી રોજ તેમની સામે વારો કાઢયો છે. હું રોજ કોંગ્રેસની પટ્ટી પાડું છું એનાથી તેઓ નારાજ થઈ જાય છે. કોંગ્રેસના એક મંત્રી અને સુપ્રીમ કોર્ટના વકીલ એવા એક આગેવાને તો મને ધમકી આપી છે કે કોંગ્રેસની વિરુદ્ધ બોલવાનું બંધ કરો, નહિતર જેલમાં જવાની તૈયારી રાખો.
તેની સામે તેમણે કહ્યું હતું કે, મોદી મોતને મુઠ્ઠીમાં લઈને ફરનારો માણસ છે. આવી ધમકીઓ આપવાનું સાહસ કરશો નહીં, નહિતર લેવાના દેવા પડી જશે. આ કોંગ્રેસે તો દેશની સેનામાં પણ વોટબેંકની રાજનીતિ રમી અને અલગ અલગ ધર્મના આધારે સેનાની ગણતરી કરાવી છે.
મોદીએ વડાપ્રધાનને પૂછ્યું હતું કે, અમેરિકા સાથેની દોસ્તી તૂટે એવા પ્રસંગથી તમે દુ:ખી થઈ ગયા હતા, તો મુંબઈ ઉપર જયારે આતંકવાદી હુમલો થયો ત્યારે કે બિહારમાં પૂર આવ્યું અને તબાહી મચી ત્યારે તમને દુ:ખ કેમ થયું નહોતું? અડવાણી વડાપ્રધાનને કમજોર કહે છે ત્યારથી મનમોહનસિંહે જોશથી બોલવાનું શરૂ કર્યું છે. તેવો સમજતા નથી કે અડવાણી મનમોહનસિંહની શારીરિક કમજોરીની વાત નહીં પણ તેમનામાં નિર્ણય લેવાના અભાવની વાત કરી રહ્યા છે.
મોદીએ કોંગ્રેસનાં રાષ્ટ્રીય અઘ્યક્ષા સોનિયા ગાંધીને ગુજરાતમાં આવીને એક અઠવાડિયું મહેમાનગતિ માણવાનું આમંત્રણ આપ્યું છે. અને કહ્યું છે કે, તેઓ એક કાર લઈને તેમને મનફાવે ત્યાં ફરવા જાય. દરમિયાનમાં તેઓ તેમના રાયબરેલી અને અમેઠીના વિકાસની સાથે ગુજરાતના વિકાસની તુલના કરી જોવે. મુખ્યમંત્રીએ કંદહાર કાંડનો પણ જવાબ આપ્યો હતો. તેમણે સંસદ પરના હુમલા અને અક્ષરધામ પરના હુમલાની પણ સ્પષ્ટતા કરી હતી.
મોદીએ કહ્યું હતું કે, દેશની પ્રજાને વિકાસ અને સુરક્ષા જોઈએ છે, જે મજબૂત નેતા અને નિર્ણાયક સરકાર જ આપી શકે છે. મુખ્યમંત્રીએ આ ઉપરાંત સાણંદ, વડોદરાના સાવલી, પંચમહાલના કાલોલ, કઠલાલ તથા વઢવાણ ખાતે પણ જાહેરસભાઓ સંબોધી હતી અને કોંગ્રેસ સોનિયા ગાંધી તથા વડાપ્રધાન મનમોહનસિંહને આડે હાથ લીધાં હતાં.
Get the Flash Player to see this player.