
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ ગુજરાતી ભાઇ બહેનોને મતદાન કરવા અપીલ કરતાં જણાવ્યું કે, આપ સૌએ ભાજપના શાસનમાં સંપૂર્ણ ભરોસો મૂક્યો છે અને એ વિશ્વાસને મેં ક્યારેય ડગવા દીધો નથી. ભારતના વિકાસ માટે આપણા ગુજરાતનો વિકાસ અત્યંત જરૃરી છે. ભારતની જનતા હવે વોટબેંકની રાજનીતિથી તંગ આવી ગઇ છે. કોંગ્રેસની નીતિઓથી મોંઘવારી, ભ્રષ્ટાચાર અને અસુરક્ષિતતા સાથે અર્થતંત્ર ખોડંગાયું છે. પરિણામે આખા દેશના મતદારો વિકાસની રાજનીતિને સમર્થન આપવાનો નિર્ણય કરી ચૂક્યા છે.
મોદીએ જણાવ્યું છે કે, ૧ મે નારોજ ગુજરાતનો સ્થાપના દિવસ છે. એ દિવસે શહીદોને નમન કરી સંકલ્પ કરીએ કે આપણું વિકાસશીલ રાજ્ય જ્યારે ર્સ્વિણમ જ્યંતી વર્ષ ઉજવતું હોય ત્યારે રાષ્ટ્રના વડાપ્રધાન પણ ગુજરાતના હોય. આપણે કેન્દ્રમાં એવી સરકારને સત્તા સોંપવી છે જે ગુજરાતની મિત્ર હોય. વિકાસમાં સહયોગ આપે. દિલ્હીમાં નવી કેન્દ્ર સરકાર લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વમાં કાર્યરત થશે તો સાડા પાંચ કરોડ ગુજરાતીઓના આ સંકલ્પને કેન્દ્રનું પણ સમર્થન મળી રહેશે.




