ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો તાજેતરમાં એનડીટીવીના વિજય દ્વિવેદીએ હેલિકોપ્ટર કે પ્લેન, જે કોઈ હોય, તેમાં ઇન્ટરવ્યૂ લીધો. એમાં અનેક સવાલો બાદ, તેમણે બાબરી મસ્જિદ અને રામમંદિર અંગે પૂછ્યું. મોદીએ કહ્યું, ‘અમને તમે સો વાર આ સવાલ પૂછ્યો છે, કૉંગ્રેસને પાંચ વાર તો પૂછો. ‘
પેલા ભાઈએ વાતનો તંત ન મૂકતા એ જ સવાલ દોહરાવ્યો. મોદીની જગ્યાએ કોઈ પણ હોય, થોડો રોષ તો આવે જ. પરંતુ મોદીજીએ હસતા હસતા કહ્યું, ‘કૉંગ્રેસને પાંચ વાર સવાલ પૂછી આવો, પછી અમે જવાબ આપીશું.’
એટલે પેલા પત્રકારે શીખ વિરોધી રમખાણો માટે કૉંગ્રેસે માગેલી માફીનો ઉલ્લેખ કરી મોદીને પૂછ્યું કે ગુજરાતમાં 2002માં થયેલા રમખાણો માટે તમે માફી માગશો? મોદીએ કહ્યું, ‘આ સવાલનો જવાબ હું ભૂતકાળમાં સો વખત આપી ચૂક્યો છું. એટલે એ ન પૂછો.’
આદુ ખાઈને મોદીની પાછળ પડી ગયેલા વિજયે પોતાનો સવાલ દોહરાવ્યે રાખ્યો. બીજા કોઈ હોત તો તેમને ત્યાંથી, અદ્ધર આકાશમાંથી જ ફેંકી દેવાનું મન થાય, પણ મોદીએ ઉપેક્ષાનો રસ્તો અપનાવ્યો. પાણી માંગ્યું અને પછી ફાઈલો જોવા લાગ્યા.
એનડીટીવીએ આનું અર્થઘટન એવી રીતે કર્યું કે મોદીને આ સવાલના જવાબ આપતા પાણી પીવું પડ્યું…વગેરે વગરે.
આ ‘સેક્યુલર’ મિડિયા અને ‘સેક્યુલર’ બદમાશ પત્રકારો એક જ મુદ્દે સવાલ પૂછ્યા રાખે છે. અર્ધસત્ય જનતા સમક્ષ પીરસ્યા રાખે છે. ભૂતકાળમાં કરણ થાપરે પણ આવું કર્યું હતું ત્યારે મોદીએ ઇન્ટરવ્યૂ અધવચ્ચે જ અટકાવી દીધો હતો.
આ ચેનલો ગમે તે બહાને અનુગોધરાકાંડ (ગોધરાકાંડ પછીના રમખાણો)નો મુદ્દે ઉછાળ્યે રાખે છે. પરંતુ ગોધરાકાંડની ક્યારેય વાત નહીં. બાબરી મસ્જિદની વાત કરે પણ ક્યારેય આ દેશમાં તૂટેલા અનેક મંદિરોની વાત જ નહીં કરવાની. કાશ્મીરી પંડિતોની ક્યારેય વાત જ નહીં કરવાની.
એક પ્રશ્ન એ પણ છે કે શીખ વિરોધી રમખાણોને અનુગોધરાકાંડ સાથે સરખાવી શકાય ખરા?
ના. શીખ વિરોધી રમખાણો એક રાજકીય નેતાની હત્યાનું પરિણામ હતા. જ્યારે ગોધરાકાંડ પછી થયેલા રમખાણો ગોધરા પાસે સાબરમતી એક્સપ્રેસમાં અયોધ્યાથી પાછા ફરી રહેલા નિર્દોષ કારસેવકોને જીવતા સળગાવી દેવાના હિચકારા કૃત્યનું પરિણામ હતા. શીખ વિરોધી રમખાણોમાં એક જ પક્ષે (એટલે કે શીખ પક્ષે) જાનહાનિ થઈ હતી જ્યારે ગોધરાકાંડ પછીના રમખાણોમાં બંને પક્ષે ઘણી જાનહાનિ થઈ હતી. બીજું, શીખ વિરોધી રમખાણો એક રાજકીય પક્ષ દ્વારા પ્રેરિત જ્યારે ગોધરાકાંડ પછીના રમખાણો બે ધર્મના લોકો વચ્ચે થયા હતા.
હવે તમે જ કહો શીખ વિરોધી રમખાણો અને ગુજરાતના 2002ના રમખાણો વચ્ચે ક્યાંય સરખામણી થઈ શકે તેમ છે?
સબ કો સન્મતિ દે ભગવાન!




