
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર ઉધોગપતિઓ બાદ હવે ફિલ્મી સિતારાઓ પણ પ્રશંસાના પુષ્પો વેરી રહ્યા છે. મોદીના ચાહકોની યાદી ધીરે ધીરે લંબાતી જાય છે. તેમાં હવે એક નવું નામ અભિનેત્રી પ્રિટી ઝિન્ટાનું ઉમેરાયું છે.
બોલિવુડ અભિનેત્રી પ્રિટી ઝિન્ટાનું કહેવું છે કે તેનો રાજકારણમાં આવવાનો કોઇ ઇરાદો નથી, કેમ કે તમામ રાજકીય પક્ષો એક જેવા હોય છે અને રાજકારણીઓના નામ સાથે કંઇકને કંઇ ખરાબ બાબત જોડાયેલી હોય છે. પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એવા વ્યક્તિ છે, જેના નામ સાથે સારા કામો જોડાયેલા છે.
એક ઇન્ટરવ્યૂમાં પ્રિટીએ જણાવ્યું કે, ‘ હું કોઇ નેતાને ખૂલ્લેઆમ સમર્થન આપવા તૈયાર છું, પરંતુ કોઇ પાર્ટીને નહીં. હું હિન્દુ-મુસ્લિમ રાજનીતિની સમર્થક નથી. છેલ્લાં વર્ષ સુધી તો હું મોદીને સમર્થન આપવા તૈયાર નહોતી, પરંતુ આજે હું તેમની સમર્થક છું. તેઓ દેશના વડાપ્રધાન બનશે’
‘તેમણે જે રીતે ગુજરાતમાં વિકાસકાર્યો કર્યા છે, તે કાબિલેદાદ છે. જો આપણાં દેશમાં પાંચ રાજ્યો ગુજરાત જેવા હશે, તો ભારત બીજા દેશોથી ખૂબ આગળ નીકળી જશે,’ એમ પ્રિટીએ જણાવ્યું હતું.
રાજકારણ ઉપરાંત પ્રિટીએ સ્લમડોગ મિલિયોનેરના ડાયરેક્ટર ડેની બોયલના પણ ખૂબ વખાણ કર્યા હતા અને કહ્યું કે ડેનીએ ખૂબ સારી ફિલ્મ બનાવી છે અને મુંબઇની વાસ્તવિક્તાને દર્શાવી છે. હું ભગવાન પાસે દુઆ માંગુ છું કે એ આર રહેમાનને આ ફિલ્મ માટે ઓસ્કાર મળી જાય.
પ્રિટી ટૂંક સમયમાં જ પોતાની નવી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. શું તમારી નવી ફિલ્મ યશરાજ બેનર હેઠળ હશે, તે પ્રશ્નના જવાબમાં પ્રિટીએ કંઇ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.
Get the Flash Player to see this player.
http://www.divyabhaskar.co.in/2009/01/25/0901251219_now_preity_zinta_says_narendra.html




